24 કલાકમાં ગુજરાતના 26 તાલુકામાં વરસાદ, ભારે પવન સાથે વરસાદની આગાહી

રાજ્ય (Gujarat Rain) માં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી હતી.

24 કલાકમાં ગુજરાતના 26 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે તો વિસાવદરમાં 2 ઈંચ, ઉપલેટામાં 1.8 ઈંચ, વેરાવળમાં 1.3 ઈંચ, લાઠીમાં 1.3 ઈંચ, ગોંડલમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વંથલીમાં 0.8 ઈંચ વરસાદ, ધોરાજીમાં 0.8 ઈંચ અને બગસરામાં 0.8 ઈંચ વરસાદ નોંધાયો છે.

મહત્વનું છે કે, ગઇકાલે ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અસહ્ય બફારા બાદ ગોંડલમાં ગઇકાલે બપોરે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઇ ગયું હતું. અચાનક જ ભારે પવન ફૂંકાવાનું શરૂ થતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જ્યાં કોલીથડ ગામમાં ભારે વરસાદને પગલે રસ્તા નદી બની ગયા હતા. ગઈકાલે પણ બાંદરા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

24 કલાકમાં ગુજરાતના 26 તાલુકામાં વરસાદ

વીરપુરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

આ સાથે ગઇકાલે યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીરપુરના ઉમરાળી, હરિપર અને મેવાસા સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. જ્યારે ગોંડલમાં જામવાડી, ચોરડી, મોવિયા, વોરકોટડા, અનિડા ભાલોડી, જામવાડી, રામોદ, ઘોઘાવદર, બિલિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રામોદ ગામે ઘરમાં વરસાદી પાણી ફરીવળ્યા હતા.

બીજી બાજુ રાજકોટ જિલ્લા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોરાજી અને ઉપલેટામાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના નાની મારડ, ભૂતવડ અને ફરેણી ગામે વરસાદે રેલમછેલ કરી નાખી હતી. તો જમનાવડ અને સુપેડી ગામે પણ વરસાદ પડ્યો હતો. ઉપલેટાના ગણોદ, નિલાખા અને મજેઠી ગામે વરસાદ ખાબક્યો હતો. તો સાથે લાઠ, ભીમોરા, કુંઢેચ અને કોલકી ગામે વરસાદે રમઝટ બોલાવી હતી.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો